Tuesday, 15 November 2011

મારા મનગમતા શે’ર “આકાશે અક્ષર”માંથી

જ્યારે ઈશ્વર હાથ હેઠા મૂકતો,
માનવી લાચાર થૈ ને લડખડે.
***
એક એના નામનો આસવ મળે,
~બહાર ભીતર બસ, બધે કેશવ મળે.
***
પ્રેમ પર સંશય કરી જે તરફડે,
ક્યાંથી ‘પ્રજ્ઞા’ એમને માધવ મળે?
***
ઓળખ્યાંનો કર નહી દાવો હવે,
કોણ? કોને? ક્યાં પરખતું હોય છે?!
***
હું મને ભાળું પછીની વાત છે,
‘સ્વ’ને ઓગાળું પછીની વાત છે.
***
મળી છે નિસરણી ગગન પામવા પણ,
નમીને છેક સિકન્દર સુધી પહોંચવું છે.
***
રેતી, સિમેન્ટ, ઈંટનું કાચું મકાન છે,
છાંટીશ પ્રેમજળ પછી પાકું મકાન છે.
***
કાંધ પર લઈને જનાજો પ્યાસનો,
રણ મહીં મૃગનું જતન થૈ જાય છે!
***
અજાણી ગલી પણ થશે જાણીતી તો,
ફરી ભૂલથી ત્યાં, વળીએ ચલોને !
***
જે ભાવથી લખાઈ,
એ વારતા છપાઈ.
***
મેઘધનુના રંગો સાથે,
ધરતી રમતી વાદળ-વાદળ.
***
જ્યાં હું પલળું ધરે છત્રી પછી,
ભીતરે ઉન્માદ ભીંજાવી રહે.
***
આમ તો મહેલાત મારી છે ઊભી સોને મઢી,
પણ ઝૂરાયો કાઢવાને દ્વાર જેવું કઈ નથી.
***
આજ તારી ગઝલ હું ગાવાની,
હાથમાં લે, સિતાર આપું છું.
***
મસ્ત ઘેરો પ્રભાવ લાગે છે,
મધમીઠો આ લગાવ લાગે છે.
***
બંધ આંખે ચાલવું અઘરું નથી પણ એ છતાં,
ભીતરી તુજ સાદને પણ નજરમાં કેદ કર.
***
શ્વાસ ક્યાં મારા હવે ?
એ છે તારા હાથમાં !!
***
સ્વપ્નની સાંકળ હતી છૂટી, ગઈ
બાળ આંખે વારતા ખૂટી? ગઈ.
***
હતું ત્યાં પાનખરનું રાજ એથી કોયલે-જુઓ,
કરી ટહૂકો વસંતી પણ પૂછીને ઘર બનાવ્યું છે.
**
માનવી છે માનવીથી ભૂલ થાશે,
ફક્ત એક જ વાક્ય એને બહુ ગમેલું.
***
શ્વાસ ઊડ્યો, યાદ પણ ઊડી ગઈ ?!
ઘર એ ખાલી ફ્રેમ છે? કોણે કહ્યું ?
***
જે શોધવાને સેંકડો ગીતો ગઝલો લખતી રહી,
સંવેદનાના રાગને લાવી શકે તો લાવજે.


- પ્રજ્ઞ્રા વશી

No comments:

Post a Comment